ઝામર એટલે શું? તેની સારવાર કેવી રીતે કરશું?
ઝામર શું છે?
ગ્લુકોમા ને ગુજરાતીમાં “મીઠો ઝામર” અને હિન્દીમાં “કાલા પાણી” તરીકે ઓળખવામાં આવે છે. ઝામર એ આંખનો ખુબ જ ગંભીર રોગ છે. ઝામર ની પરિસ્થિતિમાં આંખમાં અસામાન્ય દબાણ ઉત્પન્ન થવાને કારણે આંખની પાછળના ભાગમાં આવેલી ઓપ્ટીક નસ ધીરે ધીરે સુકાતી જાય છે અને સાથે સાથે દૃષ્ટિક્ષેત્ર પણ સંકોચાતું જાય છે. જો આ પરિસ્થિતિમાં તકેદારી સાથે સમયસર સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિની દૃષ્ટિને કાયમી માટે નુકસાન પહોંચે છે. ગ્લુકોમા માં કોઈપણ પ્રકારના પ્રારંભિક લક્ષણો તરત ઓળખાતા નથી જેના કારણે મોટાભાગના લોકો પ્રારંભિક તબક્કે તેના વિશે અજાણ રહે છે.
ઝામર ના લક્ષણો કેવા પ્રકારના હોય છે?
- પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા
- અસ્પષ્ટ દ્રષ્ટિ
- આંખોમાં તીવ્ર પીડા
- આંખો વારંવાર ભીની થવી
- લિમિટેડ ફોકસ
ઝામર થવા પાછળ મુખ્ય કયા કારણો જવાબદાર હોઈ શકે છે?
- પરિવારમાં કોઈને પહેલેથી ઝામર હોવું
- બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે પછી થાઈરોઈડ
- વધારે પડતા માયનસ માં નંબર
- આંખોમાં દબાણ
- વધતી ઉંમર
- આંખમાં કોઈ ઈજા અથવા ઓપરેશન કરાયેલું હોય
- લાંબા સમય સુધી સ્ટીરોઈડ ની દવાનું સેવન
ઝામર ના પ્રકાર
જન્મજાત ઝામર:
બાળપણથી આંખના અપૂરતા વિકાસને કારણે જન્મજાત ઝામર થઈ શકે છે. આંખનો ડોળો અને કીકી બંનેનું કદ વધે છે. કીકી તેની પારદર્શકતા ગુમાવીને ધીરે ધીરે દુધિયા કાચ જેવી થઈ જાય છે. બાળક પ્રકાશ સામે જોઈ શકતું નથી અને આંખમાંથી પાણી પડ્યા કરે છે.
એંગલ ક્લોઝર ઝામર:
એંગલ ક્લોઝર ઝામર માં દર્દીને પ્રકાશની આસપાસ લાલ-પીળા કુંડાળા દેખાય છે. જો આંખનું દબાણ એકદમ વધી જાય તો આંખમાં અને માથામાં સખત દુખાવો થાય છે. ઘણીવાર ગભરામણ થાય છે, ચક્કર આવે છે, આંખો લાલ થઈ જાય છે અને ઉલટી આવે છે.
ઓપન એંગલ ઝામર:
ઓપન એંગલ ઝામર માં મોટાભાગે કોઈ ચિહ્નો દેખાતા નથી હોતા. દૃષ્ટિક્ષેત્ર આજુબાજુથી સંકોચાતું જાય છે જ્યારે મધ્યમાં દ્રષ્ટિ સામાન્ય રહે છે જેના કારણે ઘણા ખરા કેસોમાં ઓપન એંગલ ઝામર માં દર્દીઓ અંતિમ તબક્કામાં ડૉક્ટર પાસે આવે છે. મોટેભાગે દર્દીઓને પ્રકાશની આસપાસ રંગીન કુંડાળા દેખાય છે, ઓછા પ્રકાશમાં જોવામાં મુશ્કેલી પડે છે અને માથું ભારે લાગે છે.
સેકન્ડરી ઝામર:
સેકન્ડરી ગ્લુકોમા મોતીયો સરી જવાથી, આંખમાં વાગવાથી, ચેપ લાગવાથી, આંખમાં ગાંઠ થવાથી અથવા આંખોમાં લોહી જામવાથી થાય છે.
ઝામર ના નિદાન માટે ની વિવિધ પદ્ધતિઓ
- ગોલ્ડમેન એપ્લાનેશન ટોનોમેટ્રી
- ઓસીટી પેચિમેટ્રી એન્ડ ઓપ્ટિક નર્વ એનાલિસિસ
- અલ્ટ્રાસાઉન્ડ પેચીમેટ્રી
- ગોનીઓસ્કોપી
- વિઝ્યુઅલ ફિલ્ડ ટેસ્ટિંગ
ઝામર ની સારવાર
ઝામર ની સારવાર તે કયા તબક્કા પર છે તેના પર આધારિત છે. ઝામર ની સારવાર ના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે.
મેડિકલ સારવાર
જો તમને ઓપન એંગલ ઝામર હશે તો ડૉક્ટર તમને આંખના ટીપાં આપી શકે છે જે તમારી આંખમાંથી વહેતા પ્રવાહીની માત્રામાં ઘટાડો કરીને આંખના દબાણમાં ઘટાડો કરે છે.
લેસર સારવાર
જ્યારે આંખના ટીપાં ઇચ્છિત પરિણામો બતાવતા નથી ત્યારે લેસર ટ્રીટમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. લેસર ટ્રીટમેન્ટ દરમિયાન, લેસરનો એનર્જી બીમ આંખમાં ચોક્કસ જગ્યા પર કેન્દ્રિત કરવામાં આવે છે જે પ્રવાહી ને અંદરથી બાંધતા અટકાવે છે.
સર્જિકલ સારવાર
જ્યારે મેડિકલ અને લેસર બંને સારવાર કોઈ સુધારો લાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે સર્જરી સૂચવવામાં આવે છે. સર્જરી દરમિયાન આંખમાં થી ડ્રેનેજ ટ્યુબ નો એક ભાગ દૂર કરવામાં આવે છે જેથી પ્રવાહી સરળતાથી નીકળી શકે.
ઝામર થી બચવા માટે આ વસ્તુઓનું ધ્યાન રાખો
- દ્રષ્ટિ ને થતું નુકસાન રોકવા માટે ઝામરની પ્રારંભિક તપાસ અત્યંત મહત્વપૂર્ણ છે નીચે આપેલી બાબતો ધ્યાનમાં રાખો જેથી પ્રારંભિક તબક્કે ઝામર થી બચવામાં મદદ મળી શકે.
- તમારી આંખોની નિયમિત તપાસ કરાવો.
- આંખની નિયમિત તપાસ તેના પ્રારંભિક તબક્કામાં જ ઝામર ને શોધવા માટે મદદ કરે છે. વહેલી તપાસ તમને ભવિષ્યમાં થનારા મોટા નુકસાનને રોકવામાં મદદ કરે છે.
- નિયમિત કસરત કરો.
- નિયમિત કસરત આંખોમાં દબાણ ઘટાડીને ઝામરને રોકવામાં મદદ કરી શકે છે.
- ડોક્ટર સૂચવેલા આંખના ટીપાં નિયમિતપણે લો.
- ઝામર દરમિયાન આંખના ટીપાં ઉચ્ચ આંખના દબાણનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. અસરકારક પરિણામ માટે ડોકટર દ્વારા સૂચવેલા આંખના ટીપા નો ઉપયોગ કરો.
- આંખ પર ઈજા ન થાય તેનું ધ્યાન રાખો.
- આંખની ઈજા ઝામર તરફ દોરી શકે છે, તમારી આંખોને સુરક્ષિત રાખવા માટે આંખો પર રક્ષણાત્મક ચશ્મા પહેરો.
એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ વડોદરામાં વર્ષ 2001 થી કાર્યરત છે. આઈ હોસ્પિટલ નો મુખ્ય ઉદેશ શ્રેષ્ઠ ટેકનોલોજી નો ઉપયોગ કરી દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આંખની સારવાર પુરી પાડવાનો છે. એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ દરેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને હોસ્પિટલમાં ઉપલબ્ધ અનુભવી ડોક્ટરોની ટીમ તમારા આંખો થી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આપવા માટે હંમેશા ઉપલબ્ધ છે.
તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં કોવિડ – 19 થી બચવા માટે સરકાર દ્વારા સૂચવેલી દરેક પ્રકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
જો તમને આંખો ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા છે તો આજે જ એમ. એમ. ચોકસી આઈ હોસ્પિટલ માં એપોઇન્ટમેન્ટ બુક કરાવો.